‘હિન્દી મીડિયમ’...સ્કૂલ ચલે હમ !


-જનકસિંહ ઝાલા

તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા...
તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા...
સૂરજ જેસે ચમકેંગે, દેખે હે સાડ્ડી અખીંયાને એક સપને અમરાને...‘ગરીબી-મીડલ’ ક્લાસને જોડતી પાતળી રેખાની અધ્ધવચ્ચે લટકીને ઉભેલા અને ‘એઈટીઝ’ આસપાસ જન્મેલા મારા સહિતના અનેક યુવાનોએ નાનપણમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ભણવાના સ્વપ્નાઓ અચૂક સેવ્યાં હશે. સાચુ ને ? અને કેટલા લોકોના એ સ્વપ્નાઓ સાકાર થયાં ? સાલુ લાઈફટાઈમનો વસવસો રહી ગયો કે, અંગ્રેજી મીડિયમમાં ભણી ન શક્યાં, હોશિયાર તો હતાં પણ પૈસા નતાં. એ સમયે ‘આરટીઈ’ આવ્યું હોત તો માં કસમ કોઈની પણ સરકાર કેમ ન હોત ? એ સરકારના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોટીલા ચાલીને જવાની માનતા અચૂક રાખી હોત.

અંગ્રેજી મીડિયમના એ ક્લાસની પ્રથમ બેચમાં બેસવા માટે રહી ગયેલો વસવસો હજુ પણ આ લેખકડાના દિલને કોરી ખાય છે પણ જ્યારથી ‘હિન્દી મીડિયમ સ્કૂલ’ જોઈ ત્યારથી એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિસ્થિતિ જૈસૈ થે જ છે...ફર્ક એટલો છે કે, અમારી વખતે જેઓ માટે ભણતર મિશન હતું તે આજની સ્કૂલો માટે કમિશન બની ગયું છે. કોઈ મિશનરી સ્કૂલ (રાજકોટમાં સ્વૈચ્છાએ ફી વધારવા માટે કુખ્યાત છે તેવી અનેક)હોઈ કે, ટોપ કેટેગરીમાં સમાવિષ્ટ પ્રાઈવેટ સ્કૂલોમાં આપ આપના સંતાનો માટે એડમિશનના ફોર્મ મેળવવા કદાચ આખી રાત કડકડતી ઠંડીમાં ઉભા રહ્યાં હશો અને સવારે જ્યારે આપનો ક્રમ આવે છે ત્યારે પેલો દરવાજે ઉભેલો ચોકીદાર જ કહી દે છે કે, ફોર્મ ખલાસ થઈ ચૂક્યાં છે.
આપે દિવસ-રાત એક કરીને આપના નાનકડા બાળકને ‘ટ્વીન્કલ..ટ્વીન્કલ લીટલ સ્ટાર્સ’ કેમ ન શીખવ્યું હોઈ પણ પેલા સ્કૂલના સંચાલકોના પાશવી હૃદયને કોઈ ફર્ક નહી પડે. એમાય જો આપ જનરલ કેટેગરીમાં આવો છો તો પછી એડમિશન ન મળવા માટે નસીબને જ દોષ દેવાનો વારો આવે. ખબર નહીં કેમ ? ઈગ્લીશ મીડિયમની શાળાઓ પ્રત્યેનો મોહ આપણાથી છૂટતો નથી. એવું લાગે છે ‘ઈંગ્લીશ ઈઝ ઈન્ડિયા..એન્ડ ઈડિયા ઈઝ ઈગ્લીશ.’ અને અંગ્રેજી ન આવડે એટલે એ વ્યક્તિ તો જાણે ‘હોપલેસ’ જ થઈ ગયો 

નિર્દેશક સાકેત ચોધરીની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ આ વિષય પર જ કેન્દ્રિત છે. એક બિઝનેસમેન ફાધર રાજ બત્રા(ઈરફાન ખાન) અને તેની હાઉસવાઈફ મીતા બત્રા (સબા કમર) પોતાની દિકરીને અન્ય માતા-પિતાની જેમ તમામ ખૂબીઓ આપવા ઈચ્છે છે. પૈસેટકે સુખી અને મોટુ ઘર ધરાવતા આ પરિવારને અંગ્રેજી સાથે થોડી ઓછી લેણી-દેણી છે. કોઈ પણ ભોગે પોતાની પુત્રીનું એડમીશન પ્રાઈવેટ ઈગ્લીશ મીડિયમની સ્કૂલમાં થઈ જાય તે માટે તે ચોરી-ચીંટીગ ત્યાં સુધી કે, ગરીબ બનવા પણ તૈયાર થઈ જાય છે 'દિલ્લી ગ્રામર સ્કૂલમા’ ગરીબ કોટામાં તેમની પુત્રીને એડમિશન પણ મળે છે પણ અંતે બન્નેને અફસોસ એ વાતનો થાય છે કે, આ તો કોઈ ગરીબ બાળકનું હક મારીને લીધેલુ એડમિશન છે.

‘રાઈટ ટુ એજ્યુએક્શન એક્ટ’ ને લઈને આ દેશની શિક્ષણપ્રણાલીમાં જેટલા પણ ‘લૂપ્હોલ’ છે તેને ફિલ્મના માધ્યમથી સામે લાવવામાં આવ્યાં છે ત્યાં સુધી કે, કેટલાક ગર્ભશ્રીમતો કેવી રીતે ગરીબ કોટામાં પોતાના બાળકોને એડમિશન અપાવી શકે છે અને એ દુષ્કૃત્ય માટે લેભાગૂ એજન્ટો કેવી રીતે તેમને મદદ કરે છે ? તેની મોડેસ ઓપરેન્ડી પણ અહી રજૂ કરવામાં આવી છે. જો કે, અહીં એ વાત ઉપર અચૂક ભાર મૂકવામાં આવ્યો છે કે, ઈગ્લીશ સ્પીકીંગ ચીબાવલાઓ કરતા ગરીબોના હૃદય વિશાળ હોઈ છે. ફેસબુકમાં વિદેશ ગયા હોઈ તેવો ‘ડમી ફોટો’ અપલોડ કેમ કરાય તે પણ આ ફિલ્મ શીખવે છે.
'હિન્દી મીડિયમ’ રમૂજીની સાથોસાથ ઉપદેશાત્મક પણ છે. સાથોસાથ ‘પોલીટીક્સ’ અને ‘મનીપાવર્સ’ની મેલી નદીમાં વહેતી શિક્ષણપ્રણાલી પર ટકોર પણ કરે છે. શરૂઆત બેસ્ટ છે અને મધ્યાતંર સુધી તે સમાતંર ગતિએ ચાલે છે પરંતુ અંતમાં એક અતાર્કિક ઉપદેશ સાથે તેનું સમાપન થોડુ નિરાશ કરે છે. કેમેરાવર્કની ક્ષતિઓ, થોડીઘણી એડીટીંગની મર્યાદાઓ અને એક ડહાપણ અને ઉપદેશાત્મક સ્ટોરીલાઈન વચ્ચે પણ ખાન અને કમર વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ જામે છે. ફિલ્મમાં દિપક ડોબ્રયાલને કેવી રીતે ભૂલી શકાય ? અભિનયમાં તેઓએ મેદાન માર્યુ છે. ‘તનું વેડ્સ મનુ’થી તદ્દન વિપરીત તેમણે અહીં ઈરફાન ખાનના દોસ્તનો રોલ કર્યો છે. અલબત ફિલ્મમાં મિસ.લોધા (અમૃતા સિંઘ)ના પાત્રને વધુ ન્યાય આપવાની જરૂરિયાત હતી.

મૂળ તો બંગાળી ફિલ્મ 'રામધનુ' પરથી પ્રેરિત આ ફિલ્મમાં સરકારી સ્કૂલો પ્રત્યે કંઈક વધુ પડતુ ‘સેન્ટીમેન્ટલ ફેક્ટર’ અને અંગ્રેજી મીડિયમની તમામ શાળાઓ લોહી પીતા કોઈ ડ્રેકૂલા જેવી જ હોઈ તે રીતે રજૂ કરવામાં પણ અતિરેક દેખાય છે પરંતુ આ તમામ મર્યાદાઓને હાશિયે મૂકી દઈને ફિલ્મ નીહાળશો તો આપની સમક્ષ અચૂક મનોરંજનનો રસથાળ પીરસાયો હોઈ તેવો અનૂભવ થશે.
લાસ્ટ બટ ઈન લિસ્ટ 

આતીફ અસલમે ગાયેલૂ ‘હૂર’ હોઈ કે, તનીષ્કા સંઘવીનું ‘એક જીંદરી’ કાનને સાંભળવા ગમે છે. જો કે, સુખબીરના ઓ હો..હો..હો..ઈશ્ક તેરા તડપાવે સામે તમામ ફિક્કા પડે છે. આપે આ ફિલ્મ જોઈ કે કેમ ? ના જોઈ હોઈ તો રાહ શેની જુઓ છો ? કમઓન ગેટ્સ અપ..હવે તો મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે તેને ટેક્સ ફ્રી જાહેર કરી છે..ભાઈલોગ વધુ નાણા ખર્ચવા નહી પડે...

Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!