સાળંગપુર હનુમાનજીનો પ્રસાદ એટલે ‘પ્રભુ’ના સાક્ષાત દર્શન !
-જનકસિંહ ઝાલા
‘પત્રં, પુષ્પં, ફલં, તોયં યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મન: !’
ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું છે કે, જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર,
પુષ્પ, ફળ, જળ આદિ અર્પણ કરશે, એ શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ પ્રેમીનું
પ્રેમપૂર્વક અર્પણ કરેલુ તે પત્ર-પુષ્પાદિમાં સગુણ રૂપમાં હું પ્રકટ થઈને
પ્રીતિ સહિત આરોગીશ. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, પ્રસાદનો શું અર્થ
થાય છે. ‘પ્ર’ એટલે પ્રભૂના, ‘સા’ એટલે કે, સાક્ષાત અને ‘દ’ એટલે દર્શન.
સૌરાષ્ટ્રના દરેક ધર્મસ્થાનોમાં પ્રસાદનું અલગ-અલગ વૈવિધ્ય છે પરંતુ એ
પ્રસાદ ભગવાનથી લઈને તેના ભક્તો સુધી તે જે રૂપમાં તૈયાર થયો છે તે જ
રૂપમાં પહોંચે તો તેને ‘મહાકર્મ’ ગણવામાં આવે છે. આ ‘મહાકર્મ’માં સાળંગપુર
તિર્થધામ સાંગોપાંગ પાર ઉતર્યું છે.
ગુજરાતના બરવાળા તાલુકાના
સાળંગપુર ગામમાં આવેલા વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજીના મંદિરના
પ્રાંગણમાં વર્ષોથી ચાલતા અન્નક્ષેત્રમાં રોજના 5000થી લઈને 7000 હરિભક્તો
આવે છે. એમાંય હનુમાનજીના દિવસો એટલે કે શનિવાર, મંગળવાર અને રવિવારે તો આ
આંકડો 18,000 સુધી પહોંચી જાય છે અને પૂનમમાં દિવસે તો 22,000થી પણ વધુ
હરિભક્તો પ્રસાદનો લાભ લે છે પરંતુ આજદિન સુધી ક્યારેય પણ અહી પીરસાતા
મહાપ્રસાદની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ ઉઠવા પામી નથી.
સાળંગપુર
મંદિરના કોઠારી વિવેકસ્વામીના જણાવ્યાનુસાર પ્રસાદ માટે આર.ઓ. (રિવર્સ
ઓસ્મોસીસ) કરેલુ પાણી વાપરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે 17 રસોઈયાઓ છે
તેમનો એક ખાસ ડ્રેસ કોર્ડ છે અને હાથમાં મોજા તેમજ માથામાં ‘કેપ’ પહેરીને જ
તેઓ પ્રસાદ બનાવે છે. હરિભક્તોને જમીન પર નહીં પરંતુ ડાઈનીંગ ટેબલ પર
બેસાડવામાં આવે છે જેનાથી સ્વચ્છતાનું ધોરણ ખાસ જળવાઈ રહે છે તેમજ વયોવૃદ્ધ
કે જેઓને જમીન પર બેસવામાં કષ્ટ પડે છે તેઓ સરળતાથી પ્રસાદ આરોગી શકે છે.
ભોજન બાદ તમામની થાળીઓ અમારો સ્ટાફ ખુદ સ્વચ્છ પાણી, લીક્વિડ તથા પાઉડરથી
ધોવે છે. ક્યારેય પણ કોઈ ફરિયાદ સામે આવી નથી.
સાળંગપુરમાં શું છે ‘મહાકિચન’ની વિશેષતા ?
સાળંગપુરની ભોજનશાળામાં ખાસ ઓઈલ બોઈલર રાખવામાં આવ્યું છે જ્યારે તે 300
ડિગ્રી તાપમાને હિટ કરે છે ત્યારે એક પાઈપમાંથી બીજા પાઈપમાં તેલ પરિભ્રમણ
કરે છે અને તેનાથી રસોઈ પાકે છે. આ એક એવું ઐતિહાસિક મશીન છે જેની ગરમીથી
રોટલી પણ બનાવી શકાય છે. રોજ અંદાજે 25,000થી વધુ રોટલી બને છે તેમાંય
પૂનમના દિવસે 800 કિલો લોટની રોટલીઓ વણવામાં આવે છે. આ ઉપરાંત શુદ્ધ
બ્રાન્ડના ચોખ્ખા ઘીમાંથી હનુમાનજીની સુખડી તેમજ મોહનથાળ તૈયાર થાય છે.
ઘીના એક ડબાની કિમત રૂા.7300 આસપાસ છે આવા રોજના 18 ડબા ઉપયોગમાં લેવાય છે
અને તેની મદદથી 100 કિલો લોટમાંથી બનાવેલી સુખડીના 3 મોટા થાળ તૈયાર થાય
છે.
Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833