સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

-જનકસિંહ ઝાલા

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને સુખડીનો થાળ જ કેમ ધરવામાં આવે છે ? તે પ્રશ્ન ઘણા હરિભક્તોને થાય પરંતુ તેની પાછળ એક અનેરો મહિમા અને રોચક ઈતિહાસ સંકળાયેલો છે.

શાત્રી હરિપ્રકાશ અથાણાવાળા જણાવે છે કે, વર્ષો પૂર્વે સાળગપુરના પટેલો વ્યાપાર અર્થે ગાડાઓ લઈને ધોલેરા ગયાં હતાં. એ સમયે ધોલેરા બંદર હતું. ત્યાના સ્વામિનારાયણ મંદિરે તેઓએ રાતવાસો કર્યો, મંદિરના સંતોને સાળગપુર આવવાની ઈચ્છા દર્શાવી પરંતુ એક ઈર્ષાળુ વ્યક્તિની કાન ભંભેરણીને લીધે આ હરીભક્તો સંતોને લીધા વગર જ સાળગપુર ચાલ્યાં ગયાં. 

શાત્રીજી ઉમેરે છે કે, સંતોના અનાદરનો ભોગ સાળગપુર બન્યું. ગામમાં દુષ્કાળ પડયો. એ સમયે સ.ગુ.શ્રી. ગોપાળાનંદ સ્વામી સત્સંગ-પ્રચારાર્થે વિચરણ કરતાં બોટાદ પધાર્યા હતાં. ગામના દરબાર વાઘા ખાચરે તેમને આ કફોડી પરિસ્થિતિથી વાકેફ કર્યા અને કહ્યું અમારે બે પ્રકારના કાળ પડયાં છે. 3 વર્ષથી વરસાદ નથી અને બીજુ ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે સંતો આવતાનથી. તેમની મનોવ્યથા જાણીને આર્ષદૃષ્ટા સ્વામીજીએ કહ્યું કે, તમારા આર્થિક દુ:ખ ટાળવા અમે દેવ આપીશું તેમણે તુરંત અનંત જીવોના દૂ:ખ દૂર કરે તેવા કષ્ટભંજન હનુમાનજીને પધારવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સ્વામીજી ખુદ સારા એવા ચિત્રકાર હતાં. સમગ્ર જગતમાં એકમાત્ર હસતા અને દંતદર્શન કરાવતા કષ્ટભંજન હનુમાનજીની જે મૂર્તિ મંદિરમાં છે તેને પથ્થર પર ખુદ જ સ્વામીજીએ જ દોરી આપી હતી અને બાદમાં કાના કડિયાએ તેને મૂર્તિમાં કંડારી હતી. 

હરિભક્તોએ સ્વામીજીને કહ્યું કે, ધોલેરાના સંતોએ અમને ‘ભૂખડી’ના હોવાનું મેણુ માર્યું હતું હકીકતમાં તે વાત પેલા ઈર્ષાળુએ ઉપજાવી કાઢી હોવાનું અમને બાદમાં જાણવા મળ્યું તેમ છતાં સાળગપૂરમાં ભૂખમરો આવ્યો ત્યારે સ્વામીજીએ કહ્યું કે, સાળગપૂરમાં હવે ક્યારેય ‘ભૂખડી’(ભૂખમરો) નહીં પરંતું ‘સુખડી’ આવશે અને એ દિવસથી હનુમાનજીના થાળમાં સુખડીનો પ્રસાદ ધરાવવાનું શરૂ થઈ ગયું જે પરંપરા આજે પણ યથાવત છે. સ્વામીની વાત સાચી પડી છે એ ઘટના બાદ ક્યારેય પણ સાળગપુરમાં ભૂખમરો આવ્યો નથી. 
...................

મિત્રો..આનંદની વાત એ છે કે, સાળગપુર મંદિરની વેબસાઈટમાં પણ આ આર્ટીકલ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આનાથી મોટુ કોમ્પ્લીમેન્ટ મારા માટે બીજુ શું હોઈ શકે.?Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833 

Popular posts from this blog

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!