Sunday, September 20, 2009

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી


પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે.
બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે.
આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્ય મૂર્તિકારો પણ અહીં આવીને વસ્યાં છે. પૂરા શહેરમાં આવા આઠ-દસ પરિવાર છે જે નવરાત્રિ અથવા તો ગણેશોત્સવમાં મૂર્તિઓનું નિર્માણ કરીને સમગ્ર વર્ષની કમાણી કરી લે છે. તેમની પાસે 10 રૂપિયાથી માંડીને પાંચ હજાર સુધીની મૂર્તિઓ છે. પાંચુ ગોપાલ કહે છે કે, ' આજથી 20-30 વર્ષ પહેલાની તુલનાએ હાલ સારી સ્થિતિ છે. હવે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
ઈંદૌરની જનતા ધાર્મિક છે. તેઓ મૂર્તિ ખરીદવામાં કદી પણ પૈસા સામે જોતા નથી. આજથી 20-30 વર્ષ પૂર્વે અમે પીઓપીમાંથી મૂર્તિઓ બનાવતા હતાં પરંતુ હાલ બંગાળમાંથી આવતી પીળી માટી વડે જ તેનું નિર્માણ કરવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીને માત્ર વોટર કલરથી બનતી આ મૂર્તિઓ પર્યાવરણ અને નદીના પાણીને પણ નુકસાન પહોંચાડતી નથી.'મૂર્તિઓ માટે સાજ શણગાર પણ બંગાળથી મંગાવામાં આવે છે.

પાંચુજી કહે છે કે, ' એક મૂર્તિ બનાવામાં ઓછામાં ઓછુ એક અઠવાડિયું વિતી જાય છે. અમે લોકો નવરાત્રિ મહોત્સવના ત્રણ-ચાર માસ પહેલા જ મૂર્તિઓ બનાવાનું શરૂ કરી દઈ છે. જો કે, ઈંદૌર અને બગાળમાં દૂર્ગાપૂર્જામાં થોડી ભિન્નતા જરૂર છે તેમ છતાં પણ માતાજી પ્રત્યેની લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ જોઈને ખુબ જ ખુશી થાય છે. 'પાંચુજીએ બગાળના 'કુમારતોલી'માં પાંચુએ મૂર્તિ ઘડવાનું કામ શિખ્યું. જ્યાં આજે પણ આશરે 200 જેટલા મૂર્તિ બનાવાના લઘુ ઉદ્યોગોમાં 50000 જેટલા કારિગરો કામ કરે છે.
કોલકાતાના નોદિયા જિલ્લાના બેથુઆડોગરી નામના નાનકડા ગામમાં જન્મેલા અને પોતાના જીવનના 60 દશકા વિતાવી ચૂકેલા બંગાળના આ મૂર્તિકારનો પુત્ર રાજીવ પણ આ વ્યવસાય સાથે જોડાઈ ચૂક્યો છે. હાલ પાંચુજીના નાનકડા એવા તંબૂમાં માઁ દૂર્ગાના નવે નવ અવતારની મૂર્તિઓ વિવિધ મુદ્વા અને આસનમાં બિરાજમાન છે. પ્રથમ દૃષ્ટિએ જોનારાને એવું જ લાગે કે, આ કોઈ તંબૂ નહીં પરંતુ નવદૂર્ગાનું પવિત્ર આદ્યસ્થાન છે.
Janaksingh ZalaSub Editor (Webdunia Pvt. Ltd) Mo. 09754144124

video

Saturday, September 19, 2009

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?



નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ.

નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે.

સુંદર દેખાવાની હોડ ?
નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું મન મોહવા માટે પૂરતું છે. માતા-પિતા તો બિચારા એવું માનીને બેસે છે કે, પોતાનો સંતાનો ગરબે રમવા ગયાં છે પરંતુ હકિકત કંઈક જુદી જ હોય છે. જે દિકરા-દિકરીને માતાજીના ગરબાના મંડપમાં વચ્ચે હોવું જોઈતું હતું તે લવ ગાર્ડનોના ઘોર અંધારામાં જાડીઓની પાછળ પોતાના પ્રેમીઓના મુખમાં મુખ નાખીને પ્રેમના રાસ રમતા નજરે ચડે છે. કામુકતાના આવેશમાં ભાન ભૂલીને અંતે બન્ને એ કૃત્ય કરી બેસે છે જેની સમાજ લગ્ન પહેલા મંજૂરી આપતો નથી.

ગર્ભનિરોધક સાંધનો પ્રત્યેની જાગૃતતા
એક સમય એવો પણ હતો જ્યારે નવરાત્રિ બાદ ગર્ભપાત કરાવવા માટે યુવતીઓ પોતાના માતા-પિતા અથવા તો બહેનપણી સાથે પાછલા બારણે કોઈ ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટોનો સંપર્ક સાધતી હતી. સમાજમાં પોતાના કુટુંબની પ્રતિષ્ઠા બચાવવા માટે માતા-પિતાઓ પણ ડોક્ટરોને મો માંગી રકમે ગર્ભપાત કરવા માટે દબાણ કરતાં. ધનની લાલચમાં અમુક ડોક્ટરો પણ ગર્ભમાં રહેલા એ શિંશુની હત્યા કરી નાખતાં જેની આંખો પણ હજુ સુધી ખુલી હોતી નથી. આપણી સામે એવા કેટલાયે દાખલાઓ બન્યાં છે જેમાં નવરાત્રિ બાદ કોઈ કચરામાંથી તાજુ જન્મેલા મૃત ભ્રૂણ મળી આવ્યું હોય

પરંતુ હવે સમય બદલાયો છે આજના યુવાધનને પ્રણયના રાગ રમવામાં જરા પણ ડર લાગતો નથી. 'આઈ-પીલ' અને 'માલા-ડી' જેવી ગર્ભનિરોધક ગોળીઓથી આજકાલની યુવતિઓ પૂરી રીતે પરિચિત છે જ્યારે યુવકો પણ ખિસ્સામાં રૂમાલ હોય કે, ન હોય પણ પોતાના પાકિટમાં 'કોન્ડોમ' પેકેટ રાખવાનું ભૂલતા નથી. તેઓ બન્ને જાણે છે કે, જ્યાં સુધી તેમની પાસે આ સાધનો છે ત્યાં સુધી તેમને કોઈનો પણ ડર નથી.

વાલીઓ તરફથી અપાતી વિશેષ છૂટ
સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, રાત્રિના બાર વાગ્યા બાદ નવરાત્રિઓના તમામ આયોજનોને બંધ કરી દેવા. એટલે કે, રાત્રિના બાર વાગ્યે તમામ કાર્યક્રમોની પૂર્ણાહૂતિ કરી દેવી. મોટાભાગના આયોજકો તે નિયમને અનુસરે પણ છે અને બાર વાગ્યે લાઉડ સ્પિકરોને બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાં પણ ખેલૈયાઓ વહેલી સવારે ઘરે પહોંચે છે. મા-બાપ પણ ક્યારેય એ પુછવાની દરકાર લેતા નથી કે, રાત્રિના બાર વાગ્યા બાદ તેઓ ક્યાં હતાં ?

આયોજકોની પણ ભૂલ
ગરબા આયોજન કરનારા સંચાલકો પણ આની પાછળ અમુક હદે જવાબદાર છે. અમુક સંચાલકો મધ્ય રાત્રિ બાદ પણ કાર્યક્રમ ચાલુ રાખે છે. અહીં ખેલૈયાઓને પુછનારું અન્ય કોઈ હોતું નથી. મોકો મળતા જ તેઓ રફુ-દફુ થઈ જાય છે અને એકાદ-બે કલાક મોજ મજા કરીને પાછા રમવા માટે જોડાઈ જાય છે. જો કાર્યક્રમોનું વહેલું સમાપન કરી લેવામાં આવે તો માતા-પિતાઓ અને વાલીઓ પણ પોતાના સંતાનો સાથે આવે અને કાર્યક્રમ પૂરા થયે સંતાનો સાથે જ ઘરે પરત ફરે.

પોલીસ વ્યવસ્થાની ઉણપ
જો પોલીસ પણ આ નવ દિવસ દરમિયાન લવ ગાર્ડન, હોટલો, ગેસ્ટ હાઉસો અને અન્ય એકાંત વાળા સ્થળો પર ચાપતો બંદોબસ્ત રાખે તો આ યુવાઓને ભોગ-વિલાસ કરતા રોકી શકે છે પરંતુ એવું પણ બહાર આવ્યું છે કે, અમુક રૂપિયા લઈને ફરજ પરના પોલીસ અધિકારીઓએ સ્વયં આ ખેલૈયાઓને ખુલ્લુ મેદાન આપી દે છે.

અંતે એટલું જ કહેવાનું કે, નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનો પર્વ. ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ? જો આપના પણ કોઈના માતા-પિતા હોય તો આ લેખ વાંચીને પૂરા ચેતી જાવો. ક્યાંક તમારા બાળકો પણ જુવાનીના જોશમાં કોઈ એવું કૃત્ય ન કરી બેસે જેના કારણે અંતે તમારે સમાજની ટીકાનો ભોગ બનવું પડે.
Janaksingh ZalaSub Editor (Webdunia Pvt. Ltd) Mo. 09754144124

Tuesday, September 8, 2009

ક્યાં છે એ કાગડો...?


''હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો

જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.''


સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે. વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડે ઓઝોન વાયુના સ્તરમાં જ્યાં કાણાઓ પાડી દીધા છે ત્યાં બીજી તરફ વૃક્ષોની પણ દિવસેને દિવસે ઘટતી સંખ્યાએ પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડ્યું છે. આવા વાતાવરણમાં જ્યાં માનવીઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યાં પક્ષીઓની તો વાત જ શું કરવી ?

હાલના દિવસોમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધનું આયોજન કરી રહ્યાં છે. પિંડદાન, દાન-પુણ્ય, તર્પણ મારફત પોતાના પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ અર્થે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે અને સાથોસાથ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આર્શીવાદ લઈ રહ્યાં છે તેવા સમયે જેના માધ્યમ થકી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે અને રાહૂ અને કેતૂ જેવા ગ્રહોથી શાંતિ મળે છે એવો મારો પ્રિય કાગડો અચાનક જ અદૃશ્ય થઈ જતાં મને ઘણું દુ:ખ થઈ રહ્યું છે. પિતૃપક્ષમાં કાગડાઓનું ઘણું મહત્વ હોય છે.
ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓના તર્પણ માટે ભોજનમાં અતિથિ ભોજન, કાગ ભોજન, ગૌ ભોજન અને કિડીઓનું ભોજન અલગથી કાઢવામાં આવે છે. કહેવાય છે કે, આ રૂપમાં પિતૃઓને ભોજન મળે છે પરંતુ હાલ કાગડાઓના અભાવે કાગ ભોજન માટે શહેરી લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સિમેંટ અને કોંક્રિટથી બનેલા આ જંગલોને છોડીને કાગડો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. વધતું પ્રદુષણ, શહેરી ક્ષેત્રોના પૂર ઝડપી વિકાસ, વનોની ઘટતી સંખ્યાને પગલે અપર્યાપ્ત ભોજન, ઔધોગિક ક્ષેત્રનો વિકાસ અને તેમાથી નિકળનારો હાનિકારક ધુમાડો આ તમામ એ પરિબળો છે જેણે કાગડા સહિત અન્ય કેટલાયે પંક્ષીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

અધુરામાં પુરુ આજે રોડ અકસ્માતો અને વીજથાંભલાઓ પર શોર્ટ સર્કિટને લીધે કેટલાયે પશુ પક્ષીઓ અકાળે મૃત્યુને ભેટે છે. તેવા સમયે સરકાર પણ કુભનિંદ્રામાં સુઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાગડાઓ સહિત કેટલાક અન્ય પશુ-પક્ષીઓની સંખ્યામાં જે પ્રકારે ઉત્તરોત્તર ઘટાડો નોંધવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ ન તો કદી સાંસદ ભવનમાં થયો છે ન તો કોઈ છાપાવાળાએ તેની નોંધ લીધી છે. સિંહ અને વાધની ઘટતી સંખ્યા સિવાય તેઓને અન્ય પશુઓ દેખાતા નથી. તેઓની આંખો પર કાળા ચશ્મા લાગેલા છે અને કદાચ એટલા માટે જ તેમને કાળો કાગડો નજરે ચડી રહ્યો નથી.
janaksingh zala
sub-editor (webdunia.com.pvt.Ltd)
Mo. 9754144124

Friday, September 4, 2009

ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..


પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું. કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી.


રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ
નિપજ્યું.


રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મેલા રેડ્ડીએ હમેશાથી જ નિર્ધન અને ઉપેક્ષિત વર્ગના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. લોકોની સેવા કરવાનું સૌભાગ્ય તેમને વારસામાં મળ્યું હતું. વાઈએસ રાજાના પુત્ર ડો. રેડ્ડીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ રાજનીતિમાં રસ દાખવાનું શરૂ કરી દીધેલું. એમબીબીએસની પદવી પ્રાપ્ત કર્યાં બાદ ડો.રેડ્ડીએ વર્ષ 1973 માં પિતા વાઈએસ રાજા રેડ્ડીના નામ પર પેલીવેંદુલા માં 70 પથારીઓ વાળું એક ઘર્માર્થ ચિકિત્સાલય પણ સ્થાપિત કર્યું. વર્ષ 1978 માં પ્રથમ વખત ચૂંટણી લડીને તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. તે ચાર વખત રાજ્ય વિધાનસભા અને અને ચાર વખત લોકસભાના સભ્ય પણ રહ્યાં.

રેડ્ડીએ પોતાની રાજકિય કારકિર્દીમાં પાર્ટીમાં એક કુશળ નેતા, વહીવટકર્તા અને સંચાલનકર્તા તરીકે જબરદસ્ત નામના મેળવી હતી અને પોતાના 30 વર્ષ ભારત દેશને અર્પિત કર્યાં હતાં. તે 1983 થી લઈને 1985 સુધી અને બાદમાં 1998 થી લઈને 2000 સુધી આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ પદે રહ્યાં. તેમણે પ્રદેશ સરકારના કેટલાયે વિભાગોના મંત્રીઓનું પદ પણ સંભાળ્યું. તેમને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સૌથી પ્રતિબદ્ધ નેતાના રૂપમાં ઓળખવામાં આવતાં. પોતાના મૃદુભાષી સ્વભાવથી લોકોના પ્રિય ગણાતા અને હમેશા એક સામાન્ય વ્યક્તિની જેમ ઘોતી અને ઝભ્ભો પહેરનારા રેડ્ડીનું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે બિરાજમાન થવાનું સોભાગ્ય એ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાપારાયણની ભાવનાનું પરિણામસ્વરૂપ હતું.


કોંગ્રેસને રેડ્ડીના રાજ્યમાં હમેશા ફાયદો મળ્યો. છેલ્લી બે ચૂંટણીમાં આંધ્રપ્રદેશે કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વર્ષ 2004 માં આ રાજ્યમાં કોંગ્રેસના 29 સાંસદો હતાં જે સંખ્યા વર્ષ 2009 માં 33 સુધી પહોંચી ગઈ છે. ભલે ચૂંટણીમાં યૂપીએ સરકારને સેન્ટરમાંથી વધુ ફાયદો ન મળ્યો હોય પરંતુ આંધ્રપ્રદેશે રેડ્ડીના પ્રયત્નો થકી કેન્દ્રની સરકારને ખુબ જ લાભ અપાવડાવ્યો

રેડ્ડી દરેક વાતને ધ્યાન પૂર્વક સાંભળતા અને કોઈ પણ કાર્યને ઝીણી આંખે નીહાળ્યાં બાદ તેના પર અમલ કરતાં. રેડ્ડીએ પૂર્વગામી મુખ્યમંત્રી ચંદ્રબાબું નાયડુની સફળતા અને નિષ્ફળતાનું ગહન અધ્યયન કર્યું હતું અને તેમાંથી બોધપાઠ લઈને તેમણે પોતાના રાજ્યમાં વિવિધ યોજના-પરિયોજનાઓને કાર્યાન્વિત કરી હતી.
આંધ્રપ્રદેશમાં છેલ્લા નવ વર્ષથી વિપક્ષનો વાવટો ફરકાતો હતો. એ મુખ્યમંત્રી રેડ્ડી જ હતાં જેણે આ રાજ્યમાં કોંગ્રેસને વિજય અપાવ્યો. વર્ષ 2003 માં 1500 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરીને સમાજના ગરીબ અને પછાત લોકોના ઘરે ઘરે જઈને તેઓની સમસ્યાઓ તેમની ભાષામાં જાણવા, સમજવા અને તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન રેડ્ડીએ કર્યો. બસ ત્યારથી જ રેડ્ડીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધવા લાગી.


હાલ આંધ્ર કોંગ્રેસ પાસે અસંખ્ય નેતાઓ છે પરંતુ રેડ્ડીએ જે કરિશ્મો દેખાડેલો તેવો કરિશ્મો કદાચ ભાગ્યે જ કોઈ નેતા દેખાડી શકશે. પાર્ટીનું મુખ્ય ધ્યેય આ રાજ્યમાં પાર્ટીના લોકોને જોડીને માઓવાદીઓ તથા તેલગાના સેપરેટિઝમ પર લગામ કસીને રાખવાનું છે. 42 લોકસભા સીટ ધરાવતું આ રાજ્ય કોંગ્રેસ માટે સફળતાના દ્વારની અમુલ્ય ચાવી છે. જેની આજ સુધી રેડ્ડીએ રખેવાળી કરી હતી. હાલ રાજ્યના નાણામંત્રી રોસૈયાને કામચલાઉ ધોરણે આ ચાવી સોંપવામાં આવી છે. આશા રાખીએ કે, તેઓ પણ તેની રખેવાળી સ્વ.વાઈએસઆરની જેમ પૂરતી કર્તવ્યનિષ્ઠા અને વફાદારીથી કરશે.

Monday, August 10, 2009

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?


સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે.


ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યાં બાદ આ જીવલેણ બીમારીનો મૃતાંક છ એ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ઉપર જવાની શક્યતા છે.

આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું આપ સુધી પહોંચાડી રહ્યો છું.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?
એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.
* ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
* વારંવાર ઉલટી થવી
* ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ન આપવી
* મુંઝવણ અને વારંવાર રડવું
* તાવ અને શરદીનો ભોગ બનવું
* પૂરતું પ્રવાહી ન પીવું

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો
* શ્વાસ લેવામાં પરેશાની
* પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
* ગભરાહટ * વારંવાર ઉલટી થવી
* અચાનક ચક્કર આવવા
તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું ?
દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. કેટલાક લોકો 'ટેમી ફ્લૂ' નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.
* જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
* શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
* બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
* બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
* જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.
હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છું ?
તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો, કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં.
છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. અહીં પણ અફસોસ કરવા જેવી એક વાત એ છે કે, આવડા મોટો ભારત દેશમાં જ્યા કરોડોની સંખ્યામાં લોકો રહે છે ત્યાં આ વાયરસની તપાસ માટે માત્ર 18 જ લેબોરેટરી છે.

Friday, July 31, 2009

'રાખી નો સ્વયંવર' કે પછી ધતિંગવેડા





''ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં છે.





મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મનારા અને સાત સમુંદર પાર કરીને અહીં આવનારા આ મુરતિયાઓ આ સ્ત્રી પાછળ બિલકુલ એવી રીતે ભાગી રહ્યાં છે જેવી રીતે 'ગદબ'ની પાછળ બકરી ભાગે છે. તેઓ આ સ્ત્રીને પામવા માટે નાચ ન આવડતા છતાં પણ નાંચી રહ્યાં છે, હાથના પંજા લડાવી રહ્યાં છે અને અટપટા લવ-લેટરો પણ લખી રહ્યાં છે. આ શો નું નામ છે 'રાખી કા સ્વયંવર'. જેમાં નવવધૂ છે રાખી સાવંત.

રાખી સાવંત એજ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો કારણે મીડિયામાં ચર્ચામાં આવવાનું વધુ પસંદ કરે છે. ખૈર અહીં આપણે તેના વિવાદાસ્પદ નિવેદનોની વાત નહીં કરીએ કારણ કે, બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં વાત કરીશું આ કાર્યક્રમ વિષે જેનો ગ્રાંડ ફાઈનલ આવતીકાલે એટલે કે, તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો છે.

કહેવામાં આવે છે કે, આ દિવસે રાખી ફાઈનલ સુધી પહોંચેલા ત્રણ સ્પર્ધકો ઈલેશ, માનસ, ક્ષિતિજ પૈકીના એક એવા પોતાના ભાવી ભરથારના ગળામાં ફૂલોનો હાર પહેરાવશે.

બધા લોકો આ ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સાંજ પડતા જ મહિલાઓ પોતાના હાથોમાં રિમોટ પકડી લે છે. એક વાત અહીં જરૂર આશ્વર્યજનક લાગે છે કે, 'રાખી કા સ્વયંવર' જોવાની તાલાવેલી મહિલાઓમાં વિશેષ છે જે હકીકતમાં પુરૂષોમાં હોવી જોઈએ. કારણ કે, રાખી એક પુરૂષની પસંદગી કરવા જઈ રહી છે ન, કે કોઈ મહિલાને.

શું રાખી એટલી બધી મુર્ખ છે, કે તેને પોતાની ગૃહસ્થી શરૂ કરવા માટે એક ટીવી ચેનલના રિયલિટી શો નો આશરો લેવો પડે અને તેને લગ્ન કરવા જ છે તો તેના બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીનું શું ? જેની સાથે રાખી ક્યારેક લડે છે તો ક્યારેક ખુબ જ પ્રેમ કરતી ફરે છે ? રાખી કહે છે કે, 'મારુ અભિષેક સાથે બ્રેકઅપ' થઈ ગયું છે. આવા નિવેદનો તો રાખી અગાઉ પણ આપી ચૂકી છે. ટીવી ચેનલોએ બન્નેનો ઝઘડો કેટલીયે વખત નાના પડદે દેખાડ્યો છે. જેમાં અંતે સમાધાનના ભાગરૂપે મગરમચ્છના આસું સારતી રાખી અભિષેકને ગળે લાગીને કેમેરા સામે જ 'આઈ લવ યૂ' કહી ચૂકી છે.

હમણા આ શો દરમિયાન પણ એવી ચર્ચા ઉઠેલી કે, 'રાખી' આ શો ને છોડવા ઈચ્છે છે તેને તેનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અભિષેક ખુબ જ યાદ આવી રહ્યો છે. જો આવું જ છે તો 'રાખી' 2 જી તારીખે કોને પસંદ કરશે ? કારણ કે, તેને ના ઈચ્છવા છતાં પણ એક વ્યક્તિની પસંદગી કરવાની જ છે. ક્યાંક એવું તો નહીં થાય ને કે, ટીવી ચેનલવાળાઓ જે વ્યક્તિ ફાઈનલમાં જીતે તેની સામે બે પ્રસ્તાવ રાખી દે. કે, '' ભાઈ કા તો તું રાખીને લઈજા અને કાંતો તને ફલાણા-ફલાણા રૂપિયા આપી દઈએ છીએ. સામે વાળો વ્યક્તિ પણ થોડો ઘણો વિચાર કરીને અંતે રૂપિયાની માંગણી સ્વીકારી લે.'' હાં ત્યારે આપણી 'રાખી' હમેશાની જેમ થોડી વાર રડશે, કરગરશે તો ખરી જ પરંતુ અંતે તો તે કુંવારી જ ગણાશે ને ?
શો નો શો પણ યોજાઈ જશે અને જો ટીઆરપીનો ગ્રાફ વધેલો જોવા મળશે તો કદાચ 'રાખી કા સ્વયંવર પાર્ટ-2' પણ થોડા દિવસોમાં સામે આવશે. રાખીએ આ શો ના ફાઈનલમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનને શામેલ કરવાનું વિચાર્યું છે. જ્યારે પોતાની સગી મા અને ભાઈને દૂરથી જ રામ-રામ કરી દીધા છે. રાખીની માતા જયા સાવંત અને રાકેશ સાવંતે તો મીડિયા સામે એમ પણ કહી દીધું છે કે, 'તે ગમે તેને પરણે અમારે તેની જોડે શું લેવા-દેવા. જ્યારે અમને બોલાવ્યા જ નથી તો અમે શા માટે ત્યાં જઈએ ?'

આમ પણ આ શો વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો છે. જયપુરની એક સ્થાનીય કોર્ટે તો રાખી સાંવત અને આ ટીવી ચેનલના અધિકારી સામે કેસ દાખલ કરવાનો પણ આદેશ આપી દીધો છે. ગૌરવ તિવારી નામના એક લેખકે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે, આ શો નો વિચાર પહેલા તેમના મગજમાં ઉપજેલો તેમણે તેનું કોપીરાઈટ પણ કરાવ્યું પણ ટીવી ચેનલના અધિકારીઓએ તેમનો આ વિચાર ચોરી લીધો.

અમેરિકાના એબીસી ટેલીવિઝન નેટવર્કના સુપ્રસિદ્ધ રિયલિટી શો ' ધિ બૅચલરેટ' ની કાર્બનકોપી ગણાતા આ શો ને તમે મનોરંજક તો ન જ કહી શકો. છતાં પણ આજે આ ટીવી ચેનલના લોકો અને તેના પ્રેક્ષકો આ શો ને લઈને એટલા બધા વ્યસ્ત તેમજ આતુર જણાઈ રહ્યાં છે જાણે 'રાખી' નો નહીં પરંતુ તેમની બહેન-દિકરીનો સ્વયંવર હોય.

અંતમાં એટલું જ કહેવાનું કે, આપણે બધા રાખીને સારી રીતે જાણીએ છીએ. નખરા અને નાટકવેડા કરવામાં તેની કોઈ જોડ નથી. 'શો' ની સાથે ભાવનાત્મક રીતે જોડાવવું મારા મતે મુર્ખામી જ ગણાશે. એટલા માટે મારા ગુજરાતી બંધુઓ વધુ પડતા એસએમ કરીને ખિસ્સા ખાલી ન કરશો. કારણ કે, આ 'શો' તો ધતિંગ માત્ર છે.

Thursday, June 25, 2009

કદી નહીં ભૂલાય માઈકલ જૈક્સન...!

કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું . માઈકલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. મીડિયામાં અવાર નવાર તેમની કેન્સરની બીમારીને લગતા સમાચારો આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ હ્રદય રોગનો હુમલાથી તેમના નિધનની ખબરો બહાર આવતા સમગ્ર સંગીત જગતમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે.

આમ 50 વર્ષની ઉમરે એક મહાન સુપર સ્ટાર અને ડાન્સરનો અંત આવ્યો છે. આ મહાન ડાન્સરે જીવનપર્યત જેટલી વખત પોતાના ચહેરા સાથે છેડછાડ કરી તેના કરતા અનેક ગણી વખત પોપ મ્યુજિક ચહેરાને પણ પરિવર્તિત કર્યો હતો. કહેવામાં આવે છે કે આ સુપરસ્ટારે પોતાના નાકનું નવ વખત ઓપરેશન કરાવેલું કદાચ આટલું તો હોલીવુડ અથવા બોલીવુડની કોઈ અભિનેત્રીઓ પણ નહીં કરતી હોય. માઈકલે પોતાની દાઢી અને નેણના આકારમાં પણ પરિવર્તન કરાવ્યું તેને પોતાના ચહેરા અને ચામડીને પણ ઓપરેશન મારફત શ્વેત બનાવી.


જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ખુદ માઈકલનો કોઈ જૂનો ફોટો જોઈ શકો છો. તમે ઓળખી જ નહીં શકો કે આ માઈકલ જેકશન હોય શકે છે 30 વર્ષની ઉમરમાં માઈકલે આ પ્રકારના ઓપરેશન કરાવાનું ચાલુ કર્યું હતું જે અતં સુધી કાયમ રહ્યું.

ઈંડિયાના ગેરી શહેરમાં વર્ષ 1958 માં આ સુપરસ્ટાર્સનો જન્મ થયો. નવ ભાઈ-બહેનો પૈકીના એક માઈકલ જૈક્સનને સંગીત વારસામાં મળ્યું. પાંચ વર્ષની ઉમરમાં જ તે પોતાના પિતા જોસેફ દ્વારા ચલાવામાં આવનારા એક મ્યુજિકલ બેન્ડમાં કામ કરવાનું શરૂ કર્યું. આ મ્યૂજિક બેન્ડનું નામ હતું ''જેક્શન 5'' માઈકલ શેરીઓમાં નાચતો અને ગાતો પણ ખરો અને લોકો તેની પ્રતિભાની કદર કરીને તેને પુરસ્કાર રૂપે અમુક રકમ આપતા.


વર્ષ 1970 માં માઈકલનો પ્રથમ આલ્બમ ''ડાયના રોઝ પ્રેસન્ટ ધિ જેક્સન 5'' રજૂ થયો. 20 વર્ષની ઉમરે માઈકલની કારકિર્દી પ્રગતિના પંથ પર આગળ ધપવા લાગી. ''આઈ વોન્ટ યુ બેક'', ''ધિ લવ યૂ સેવ'', ''એબીસી'', ''રોકીન રોબીન'' જેવા આલ્બમો કર્યા બાદ માઈકલ ''ધિ વિઝ'' નામની ફિલ્મ દરમિયાન માઈકલ ક્યુંસી જોનના સંપર્કમાં આવ્યાં જેણે માઈકલ સાથે પાંચમો મ્યૂજિક આલ્બમ ''ઑફ ધિ વોલ'' બનાવ્યો. આ આલ્બમે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી.

માઈકલ આટલાથી સંતુષ્ટ ન હતાં. તેમની ઈચ્છા હતી કે તેના આલ્બમના તમામ ગીતો હિટ થાય અને સાચે થયું પણ એવું. ''થ્રિલર'' નામના આલ્બમ બાદ માઈકલનો અવાજ અને ડાન્સ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયાં. આ આલ્બમની સમગ્ર વિશ્વમાં આશરે 4 કરોડ 60 લાખ કેસેટ વહેચાઈ અને રાતોરાત દુનિયાભરના લોકો માઈકલના ખાસ પ્રશંસકો બની ગયાં.


''ગ્લોબલ વાર્મિંગ'' ને કેન્દ્રસ્થાને રાખીને બનાવામાં આવેલા માઈકલના એક આલ્બમે પણ તેને ખુબ જ પ્રસિદ્ધિ અપાવી. માઈકલે પોતાની કારકિર્દીમાં કેટલાક ટીવી શો અને ફિલ્મો પણ કરી.

કહેવાય છે ને દરેક કલાકારનો એક ઉદય હોય છે અને અસ્ત પણ. ધીરે ધીરે માઈકલ પોતાના પ્રશંસકોની નજરેથી દૂર થવા લાગ્યાં. માઈકલની ચહેરાની ચામડીમાં થતા પરિવર્તને તેના પ્રશંસકો વચ્ચે અવાર-નવાર કુતુહલ ઉત્પન્ન કર્યું. અધુરામાં પૂરુ વર્ષ 1994 માં બાળકો સાથે યૌન શોષણને લઈને ઉભા થયેલા વિવાદે અને પોતાની પત્ની લીસા મેરી સાથેના તેના સંબંધોએ માઈકલની કારકિર્દી પણ વિરામ લાવ્યો. જો કે માઈકલે બાદમાં ડેબી રોવ સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન જીવન પણ લાંબુ ન ટકી શક્યું. ડેબી સાથેના લગ્ન જીવનમાં માઈકલ પ્રિન્સ માઈકલ અને પેરીસ માઈકલ નામની બે સંતાનોના પિતા બન્યાં.

આ અરસામાં માઈકલ ફરી વિવાદોમાં ઘેરાયા જ્યારે મીડિયામાં માઈકલ દ્વારા પોતાના ત્રીજા બાળક પ્રિન્સ માઈકલ-2 ને છત પરથી ફેંકતી તસવીરો પ્રસારિત થઈ. 2003 માં ફરી એક બાળકે માઈકલ પર યૌનશૌષણનો આરોપ લગાવ્યો. માઈકલને અટકાયતમાં લેવામાં આવ્યાં અને બાદમાં છોડી દેવામાં આવ્યાં. લોકોની ટીકાથી બચવા માટે માઈકલને નેવરલેંડ રેન્ચ સ્થિત પોતાનું મકાન વેંચવું પડ્યું.

કુદરતે પણ આ કલાકાર પર કહેર વરસાવામાં કોઈ કસર ન છોડી અને એક ગંભીર કેંસરની બીમારી તેમના શરીરમાં પ્રવેશી. માઈકલ પોતાના પ્રશંસકો વચ્ચે પરત ફરવા ઈચ્છતાં હતાં. જુલાઈ 2009 માં તેમનો એક વિશાળ સ્ટેજ શો પણ યોજાવાનો હતો. જેની ટિકીટો પણ વહેંચાઈ ચૂકી હતી પરંતુ આ સ્ટેજ શો ના પ્રિમિયરના બે સપ્તાહ પૂર્વે જ આ મહાન કલાકાર આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો.


માઈકલે પોતાના જીવનના ચાર દર્શકા પોપ સંગીત ફિલ્મ અને ટેલીવિઝનને આપ્યાં. ભાગ્યે જ હવે દુનિયાને માઈકલ જેવો અન્ય કોઈ ડાન્સર મળી શકશે. ભગવાન તેની આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના.