શું નેતાઓં ‘શ્રી રામ’ જેવા ગુણ કેળવશે ?


-જનકસિંહ ઝાલા
કોઈ પણ વ્યક્તિ નેતા છે એટલે તેનામાં સફળ નેતૃત્વના ગુણો ભરેલા જ હોઈ તેવું કદી પણ ન કહી શકાય પરંતુ હા જેનામાં સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે તે અચૂક નેતા બની શકે છે. ભગવાન શ્રી રામનું જ દ્રષ્ટાંત લઈ લો. રામ પોતાના જે ગુણોના કારણે પ્રજાના પ્રિય રાજા બન્યાં તેમાનો એક ગુણ સફળ નેતૃત્વનો પણ હતો. આવતીકાલે સમગ્ર દેશમાં ભગવાન રામની જન્મજયંતી હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જો આજના નેતાઓ રામના ચરિત્ર પરના કેટલાક ગુણોને આત્મસાત કરે તો આ યુગમાં ફરીથી રામ રાજ્યની સ્થાપના થઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

(1) નેતૃત્વને ટીમ સ્પિરીટ ક્વોલિટી : સીતાહરણ બાદ જંગલમાં રામ માટે સેનાની રચના કરવી અત્યંત કઠીન કાર્ય હતું પરંતુ નેતૃત્વ ક્ષમતાના જોરે તેમણે વાનરોને એકઠા કર્યા, સાથે જ ટીમ ભાવનાથી યુદ્ધમાં પણ વિજય મેળવ્યો.
શીખ : મોરચા પર એકલા લડવાને બદલે ટીમ પર વિશ્વાસ રાખવાનું શીખો.

(2) કાર્ય પ્રત્યે ગંભીરતા : સીતાથી અલગ થવાના કપરા સમયમાં પણ રામ વ્યાકુળ ન થયાં અને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને તેમણે સીતાને પરત લાવવાની નીતિ બનાવી. કામ પ્રત્યેની પોતાની ગંભીરતાને કારણે તેને અંજામ સુધી પણ પહોચાંડયું.
શીખ : મુસીબત વેળાએ ગભરાશો નહીં પરંતુ સામનો કરવાની ઉચિત નીતિ બનાવો.

(3) પારદર્શકતા : એક નેતા માટે પારદર્શી હોવું અત્યંત આવશ્યક છે. સીતાના પાછા આવવા પર જ્યારે લોકોએ તેમની પવિત્રતા તરફ આંગળી ચીંધી તો રામે પોતાની પારદર્શિતાનો પરિચય અપાવતા પોતાની પ્રેમાળ પત્નીની અગ્નિપરીક્ષા લઈ લીધી.
શીખ : ન્યાય એવો હોવો જોઈએ જેમાં શંકાને કોઈ સ્થાન ન હોવું જોઈએ.

(4) ત્યાગ : વિશ્વામિત્રએ જ્યારે રામને રાક્ષસોનો વધ કરવા માટે પોતાની સાથે જંગલમાં ચાલવાનું કહ્યું તો તેમણે રાજમહેલની તમામ સુખ-સમૃદ્ધિનો ક્ષણવારમાં ત્યાગ કરી દીધો.ભરતને રાજસિહાસન મળે તેના માટે તેમણે 14 વર્ષનો વનવાસ પણ વેઠયો. 
શીખ : પ્રજાના હિત માટે સ્વયંના સુખનો ત્યાગ કરવો પડે તો પણ પાછળ હટવું ન જોઈએ.

(5) દૂરદ્રષ્ટિ : રામે સ્વયંની દૂરદ્રષ્ટિથી એ જાણી લીધુ હતું કે, રાવણનો વધ કરવા માટે વિભિષણની મદદ અત્યંત આવશ્યક છે. વિભિષણમાં તેમને એક સારા રાજા બનવાના ગુણ પણ દેખાયા એ જ કારણોસર બાદમાં લંકાનું રાજ્ય તેમણે વિભિષણને આપ્યું. 
શીખ : નિર્ણય લીધા પહેલા તેના દૂરગામી પરિણામો તરફ એકવાર અવશ્ય દ્રષ્ટિપાત કરી લેવો જોઈએ.

(6) વચનબદ્ધતા : રામ પોતાના વાયદાના પાક્કા હતાં.સુગ્રીવ સાથે મિત્રતા કરતી વખતે તેમણે તેનું રાજ્ય પરત આપવાનો વાયદો કર્યો હતો. એ વાયદો પૂર્ણ કરવા માટે તેમણે બાલી જેવા બળશાળીને પોતાની સાથે યુદ્ધ કરવાનું આહવાહન પણ કર્યુ
શીખ : પરિસ્થિતિ કેટલી પણ ગંભીર કેમ ન હોઈ, સ્વયંનો વાયદો પૂર્ણ કરો. 

(7) ફોકસ : સીતા હરણ બાદ રામનું ફોક્સ રાવણને હરાવીને સીતાને મુક્ત કરવાનું હતું એટલા માટે જ તેમણે રામસેતુ બાંધીને સમુદ્રને પાર કરવાનો પડકાર પણ સ્વીકાર્યો. કેટલીયે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ રામ સીતાને પરત લાવ્યાં.
શીખ : ફોક્સ હમેશા ખુદના ટાર્ગેટ પર રાખો.

(8) નિ:સ્વાર્થપણું : નિ:સ્વાર્થ ભાવના રામનો સૌથી પ્રમુખ ગુણ છે. પોતાના સુખથી ક્યાંય ઉપર પોતાની પ્રજાનું સુખ આ રાજવીએ રાખ્યું. રાજ્યનો ધોબી પોતાની પત્ની સાથે ર્દુવ્યવહાર ન કરે તે માટે સ્વયંને સીતાથી અલગ કરવાનો કપરો નિર્ણય લીધો.
શીખ : સ્વાર્થની નહીં પરંતુ જનહિતની ભાવનાથી રાજ કરો.

(9) લોકોને માન આપવું : લોકોને સન્માન આપવાનું રામ સારી પેઠે જાણતા હતાં. શબરી જેવી મહિલાના એઠા બોર ખાઈને તેમણે તેને જે સન્માન આપ્યું તેનું ઉદાહરણ આજ સુધી આપવામાં આવે છે. પથ્થર બનેલી અહિલ્યાને પણ રામે તેનું સન્માન પરત અપાવ્યું ત્યાં સુધી કે જ્યારે રાવણ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેની વિદ્યાનું સન્માન કરીને લક્ષ્મણને તેમની પાસે જ્ઞાન મેળવવા મોકલ્યાં.
શીખ : લોકોને પ્રેમ કરો અને તેઓને સન્માન આપવાનું શીખો.

Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!