આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!
હાય ફ્રેન્ડ્સ ! મને ઓળખ્યો
હું છુ વિકાસ..હું હવે ખરેખર ગાંડો થયો છું..આખરે કેમ ન થાઉ ? પાગલ થવા
માટે મારે કોઈનું સર્ટીફિકેટ લેવાની જરૂર નથી...
નોટબંધી વખતે મને દેશમાં લાવવા માટે જ મારા દેશનો નાગરિક કલાકો સુધી બેન્ક અને એટીએમની લાઈનોમાં ઉભો રહ્યો, કેટલાકને હાર્ટ એટેક આવ્યાં તો કેટલાક જીવથી ગયાં, પણ મારા નામે ચરી ખાનારાઓ એ નેતાઓનું કંઈ ન થયું તેમણે તો એ સમયે પણ કરોડો કાઢીને પોતાના છોકરાઓને પરણાવી નાખ્યાં. આ દેશમાં આવા અનેક નેતાઓ છે, અનેક આવશે અને કેટલાક તો વગર ચૂંટણીએ જીતી પણ જશે કારણ તેમને મારું નામ વાપરવાની ટેવ જો પડી ગઈ છે.
ચૂંટણી સભા સંબોધતી વખતે માઈકના ભૂંગળામાં થૂકના લપરડા થઈને વહેવા ન માંડે ત્યાં સુધી તેઓ પોતાની જીભમાંથી મારુ નામ લેવાનું ચૂકતા જ નથી, એકને એકવાતનું પુનરાવર્તન...વિકાસ કરીશું..વિકાસ લાવીશું.. સાલા જૂઠ્ઠાઓ..શું ખરેખર મને લાવવાની છે તમારામાં હિમત ? મૂર્ખો હું વિકાસ છું કોઈ ગધેડો નથી કે, તમારા રાજકીય કાવાદાવા અને જુઠ્ઠાણાઓનો ભાર મૂંગા મોઢે વેઠતો ફરું..અને મને જો ગધેડો જ માની બેઠા હોઈ તો એ ના ભૂલતા કે, આ ગધેડાની એક લાત પડીને તો ક્યારેય સંસદભવનમાં પગ મૂકવાને લાયક નહીં રહો. શું હું નથી જાણતો કે, નોટબંધી બાદ ખુદ રિઝર્વ બેન્કની આવક અડધી થઈ ગઈ છે ત્યારે રાજકીય ફાયદા માટે મારી સાથોસાથ આ બેન્કની શાખને પણ શા માટે દાવ પર લગાડો છો ?
ગત વર્ષે એપ્રિલ-જૂન 2016-17માં જીડીપી 7.9 ટકા હતી અને આ વર્ષે 5.7 ટકા થઈ ગઈ, નોટબંધી અને જીએસટીના ફાયદા જણાવનારા નેતાઓ મને જણાવશો કે, જીડીપી કેમ ઘટતી જાય છે. ક્યાં ગયું તમારું મેક ઈન ઈન્ડિયા ? ક્યાં ગયું તમારુ સ્કિલ ઈન્ડિયા ? હવામાં ઓગળી ગયાં કે શું ? તમે શું વિકાસ લાવશો...તમે તો માત્ર લાવી શકો..બેરોજગારી..અને માત્ર બેરોજગારી...
હું વિકાસ છું અને હું ખરેખર ગાંડો થઈ ચક્યો છું.. આતા માઝી સટકલી...આ નેતાઓ અને તેના જુઠ્ઠાણાઓ મને ગાંડો કર્યો છે, હું ખરેખર આવવા ઈચ્છુ છું પણ જ્યાં સુધી આ ભ્રષ્ટ નેતાઓ સુકાની છે ત્યા સુધી મને આ દેશમાં પ્રવેશવા નહી દે..આ નેતાઓનું જુઠ્ઠાણુ મને અંદરથી કોરી ખાય છે..બસ હવે તો માત્ર એક જ ઉપાય છે..મારા નામને જોડતું એક પણ સ્લોગન જો આપને ક્યાં દેખાય તો પ્લીઝ આવતા મંગળવારે દૂંદાળાદેવની મૂર્તિ સાથે તેનું પણ વિસર્જન કરી નાખશો.
કમ સે કમ..આગામી ચૂંટણી સુધી પછી એક પણ રાજકારણી મારુ નામ તો નહીં લે...ગાંડા, રઘવાયા, આ વિકાસના દેશની જનતાને છેલ્લા રામ..રામ...અસ્તુ 👏👏👏👏
-જનકસિંહ ઝાલા