નગરસેવકે તાળા તોડી લોકો માટે ‘જાજરૂ’ ખોલાવ્યાં !

-જનકસિંહ ઝાલા
આપણી જૂની ફિલ્મોમાં કોઈ જમીનદારે ગરીબ ખેડૂતો પાસેથી પડાવીને પોતાના મોટા કોઠારોમાં સાચવેલુ અનાજ અને બાદમાં લોકો માટે એ કોઠારોના તાળા તોડનારા સુપરનાયકોને આપણે જોયા છે પરંતુ ક્યારેય એ ધાન ખાધા પછી પેટમાં વધેલા કચરાના નિકાલ માટે શૌચાલય ખૂલ્લા કરાવતો કોઈ ભડવીર જોયો ખરો ? કહેવા સાંભળવામાં હાસ્યાસ્પદ લાગતી આ વાત જ્યારે વાસ્તવિક જીવનમાં ઘટે તો ? ખરેખર એવો ઘટનાક્રમ બન્યો છે. તાળા તોડનારો સુપરનાયક ભાજપનો છે કે,કોંગ્રેસનો કોર્પોરેટર એ વાતમાં મારે પડવું નથી પણ હુ અચૂક કહીશ કે, તે ‘ફૂલપ્રૂફ’ પ્રજાનો સેવક સાબીત થયો છે.

રાજકોટ પર આ વખતે મેઘરાજાએ મન ભરીને હેત વરસાવ્યું છે. ડેમોમાં નવા નીરની સાથોસાથ જમીનના તળ પણ ઉંચા આવ્યાં છે. જો કે, આ વરસાદે કેટલાક ચહેરા પર ખૂશી તો કેટલાક ચહેરાઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી અને વિનાયક સોસાયટીની જ વાત લઈ લો, વરસાદને પગલે આ બન્ને સોસાયટીમાં લોકોના ઘર સૂધી પાણી ઘૂસી ગયાં, પાણી ચોખ્ખુ હોય તો ઠીક પરંતુ અહીં તો રૂમ અને રસોડા સુધી ભૂર્ગભ ગટરનું પાણી પહોંચી ગયું. બાથરૂમ-ટોઈલેટ ચોક થઈ ગયાં અને લત્તાવાસીઓ અને ખાસ કરીને મહિલાઓ માટે કપરી સ્થિતીનું નિર્માણ થયું. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓએ તો ફોન ઉપાડવાનું જ જાણે બંધ કરી દીધુ.

બીજીતરફ ઠંડકના આ માહોલમાં લઘુશંકા માટે ક્યાં જવું ? લોકો શૌચક્રિયા જેવી રોજીંદી પ્રવૃતિઓ કરી શકે તેમ ન હતાં. અહીં તો પડોશી પણ મદદરૂપ થઈ શકે તેમ ન હતો કારણ કે, તેના ઘરની પણ એ જ સ્થિતી હતી. આ વિકટ સ્થિતીથી ત્રસ્ત એક વ્યક્તિ એ તો કેરોસીનનું ડબલુ લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. આ સમયે કોર્પોરેટર વિજય વાંકે અન્ય નગરસેવકોને સાથે રાખીને વોર્ડ ઓફિસના તાળા તોડયાં જેથી લોકો જાજરૂ કરી શકે.

વિજયભાઈને અમે જનરલ બોર્ડમાં અનેક વખત જોયા છે, થોડા શોર્ટ ટેમ્પર છે, ગુસ્સો જલ્દી આવી જાય છે, ક્યારેક ધોલધપાટ કર્યાના કિસ્સા અમે ખૂદ અમારા હાથે લખ્યાં છે, આ તમામ બાબતો વચ્ચે એક વાત સત્ય છે કે, તેમનો રોષ ક્યાંકને ક્યાંક જનઆક્રોશ હોય છે, તેમના ગુસ્સામાં લોકોની વેદના સમાયેલી હોય છે. જે પણ હોય તે સામે કહી દેવું તેમની ખાસિયત છે...વિજયભાઈ..ખૂબ..ખૂબ આભાર..

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!