અનાથ અમરેન્દ્રને મા સ્વરૂપે મળી ‘શિવગામી’!


-જનકસિંહ ઝાલા
 

માં બનવું અને માતૃત્વ મેળવવું એમ તો બન્નેમાં કોઈ અંતર નથી પરંતુ શાબ્દિક અર્થોથી દૂર રહીને આ વિષય પર વિચાર કરવામાં આવે તો માતૃત્વ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય નસીબદાર સ્ત્રીઓને મળે છે. માતૃત્વ નારીના જીવનનું સર્વોત્કૃષ્ટ ગૌરવ છે. કવયિત્રી મહાદેવી વર્માના શબ્દોમાં ‘આપણે ત્યાં બધી માતાઓ છે પરંતુ માતૃત્વ મેળવી ચૂકેલી માતાને શોધવી કઠીન છે.’ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના એ અનાથ બાળકનું નસીબ ખૂલ્યું છે કારણ કે તેને માતૃત્વની ચાસણીમાં પ્રેમના રસનો જબોડીને અપાર લાડ લડાવનારી માં મળી છે.

મૂળ પૂણેમાં જન્મેલી અને સાઉથમાં કન્નડ, તમીલ અને તેલુગુ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ કાઠિયાવાડ બાલાશ્રમમાંથી માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધો છે. ડિમ્પલ ‘અવિવાહિત છે છતાં ‘સીંગલ મધર’ બનાવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બેબી મારા ખોળામાં સોંપવામાં આવ્યું ત્યારે જે અપારઆનદનો અનૂભવ થયો તે આજદિન સુધીમાં ક્યારેય પણ થયો નથી. ‘સીંગલ’ હોવા છતાં બાળકને દત્તક લેવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, દરેક દંપત્તી કે જેઓનું એક બાયોલોજીકલ ચાઈલ્ડ હોઈ તો તેઓએ પણ એક બાળકને દત્તક લેવું જોઈએ એ જ સાચી સમાજ સેવા છે. મને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે મે મારી માતા તેમજ નયના ચોપડે તેમજ અન્ય પરિવારનો સભ્યોને જણાવ્યું તો તેઓ પણ ખૂશ થયાં.

બાળકનું નામ શુ રાખશો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે હસતાં-હસતાં જણાવ્યું હતું કે, હજુ સુધી નક્કી કર્યુ નથી પરંતુ અત્યારે બાહુબલી ફિલ્મ ખૂબ જ હીટ થઈ છે. મેં તેનું નામ ‘અમરેન્દ્ર’ રાખવાનું વિચાર્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિર્સોસ ઓથોરિટી (કેન્દ્રિય દત્તક સંસ્થા)માં ડિમ્પલ ચોપડેએ બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી. એ સસ્થાએ કાઠિયાવાડ બાલાશ્રમના બાળકનો ફોટો અને રાજકોટનું સરનામું આપ્યું હતું. ડિમ્પલબેનને બાળક પસંદ પડયું અને માત્ર એક માસમાં તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ બાળક સંસ્થા દ્વારા તેમને સોંપવામાં આવ્યું છે.

બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં 1175 બાળકોને દત્તક લેવાયાં

કાઠિયાવાડ બાલાશ્રમના ખજાનચી ચંદ્રકાંતભાઈ પટેલના જણાવ્યાનુસાર રાજકોટમાં છેલ્લા 110 વર્ષથી કાર્યરત કાઠિયાવાડ બાલાશ્રમમાં છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તપાસીએ તો આજદિન સુધીમાં 1175 જેટલા બાળકો આ સંસ્થાએ લાયકાત ધરાવતા પરિવારોને દત્તક આપ્યાં છે. જે પૈકી 350 બાળકો તો એનઆરઆઈ પરિવારોએ દત્તક લીધા છે. આ બાળકો મોટા થઈને આજે સમાજમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ન્યુજર્સીના ડો.જતીન મહેતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજકોટમાં પણ કેટલાક વ્યવસાયીઓ તેમજ વકીલો છે જેઓ આજે ખૂબ જ નામના મેળવી ચૂક્યાં છે. હકીકતમાં તેઓ પણ અમારા બાલાશ્રમના બાળકો હતાં. સંસ્થાએ 375 બાળકીઓના લગ્ન પણ કરાવ્યાં છે.

સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસંધાને બાળકની ઓળખ છૂપાવવા ચહેરો બ્લર કર્યો છે.
(ફૂલછાબમાં અગાઉ છપાયેલી સ્ટોરી)

Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833

Popular posts from this blog

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી

શું નેતાઓં ‘શ્રી રામ’ જેવા ગુણ કેળવશે ?

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?